ચાલુ વર્ષે વરસાદ અગાઉ જ દેશના મોટા ભાગના ડેમ છલકાઈ ગયા છે. ડેમ અને બેરેજ જેવા મુખ્ય જળાશયોમાં છેલ્લા 10 વર્ષની સરેરાશથી 27 ટકા વધુ પાણી  છે. સેન્ટ્રલ વોટર કમિશન દેશના 130 મોા જળાશયો પર નજર રાખે છે.


આ જળાશયોમાં પાણીની કુલ ક્ષમતા 174.233 બિલિયન ક્યુબિક મીટર છે. ખાસ વાત એ છે કે 10 જુન સુધી આ ડેમોમાં 47.387 બિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ છે. જે ગયા દસ વર્ષમાં 10 જુન સુધી આ ડેમોમાં પાણીની ઉપબલ્ધતાની સરેરાશ 37.279 બિલિયન ક્યુબિક મીટર રહી છે.


ગયા વર્ષે હાલના સમયે જળાશયોમાં 55.73 બિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ હતુ. એટલે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે જળાશયોમાં હાલ 85 ટકા અને દસ વર્ષની સરેરાશનું 127 ટકા પાણી ઉપબલ્ધ છે.


અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રના જળાશયોમાં સામાન્યથી 75 ટકા, ગુજરાતમાં 47 ટકા, ઝારખંડમાં 25 ટકા, યુપીમાં 10 ટકા, મધ્યપ્રદેશમાં 14 ટકા, રાજસ્થાનમાં નવ અને છત્તીસગઢના જળાશયોમાં ત્રણ ટકા વધુ પાણી છે. તો બીજી તરફ દેશના અમુક રાજ્યોમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. પંજાબમાં સરેરાશથી 25 ટકા, હિમાચલમાં 64 ટકા, ઉત્તરાખંડના જળાશયોમાં 10 ટકા પાણીની ઘટ છે


નોંધનીય છે કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 11થી 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ વરસવાની શક્યતા. જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે.


ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગવના વિસ્તારો અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સોમવાર સુધીમાં કચ્છને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


સમગ્ર દેશની વાત કરીએ તો ચોમાસુ માત્ર આઠ દિવસમાં અડધાથી વધુ દેશમાં સક્રિય થઈ ગયું છે. સામાન્ય રીતે અડધા દેશને આવરી લેવામાં બે અઠવાડિયા લાગશે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં 44.5 મીમી એટલે કે લગભગ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતા 21 ટકા વધુ છે.