Kaali Poster Row: ફિલ્મમેકર લીના મણિમેકલાઈ (Leena Manimekalai) ની ડોક્યુમેન્ટરી ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર ચાલી રહેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પોસ્ટરમાં મા કાલી ધૂમ્રપાન કરતી દેખાઈ રહી છે. જે બાદ લીના વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં FIR પણ નોંધવામાં આવી છે. આ મામલે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)નું પહેલું નિવેદન સામે આવ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે ઓટાવામાં અમારા હાઈ કમિશને નિવેદન આપ્યું છે. ઈવેન્ટના આયોજકોએ પણ પોતાનું નિવેદન જારી કરીને માફી માંગી છે.
કેનેડામાં પ્રદર્શિત નહીં કરવામાં આવે કાલી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે તે મને લાગે છે કે હવે કાલી ફિલમને કેનેડાની રાજધાની ઓટાવામાં પ્રદર્શિત કરવામાં આવી રહી નથી. બીજી તરફ, ઘણા રાજ્યોમાં મણિમેકલાઈ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર અરિંદમ બાગચીએ કહ્યું કે એફઆઈઆર નોંધવાની બાબત સ્થાનિક છે, તે વિદેશ નીતિ સાથે સંબંધિત નથી. તમને જણાવી દઈએ કે આજે મધ્ય પ્રદેશની ભોપાલ પોલીસે લીના મણિમેકલાઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે.
લીના મણિમેકલાઈએ ભય વ્યક્ત કર્યો
બીજી તરફ લીના મણિમેકલાઈએ પોતાની સુરક્ષા સામે ખતરો વ્યક્ત કર્યો છે. તેણીએ કહ્યું કે તે આ સમયે ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી. લીનાએ આજે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "આખું રાષ્ટ્ર એવું લાગે છે. જે હવે સૌથી મોટી લોકશાહીમાંથી સૌથી મોટી નફરતના મશીનમાં ફેરવાઈ ગયું છે, તે મને સેન્સર કરવા માંગે છે. આ સમયે હું ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી.”
પોસ્ટરને લઈને વિવાદ થયો હતો
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં દેવી કાલી ધૂમ્રપાન કરતી અને LGBTQનો ઝંડો લઈને બતાવાઈ છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લીના મણિમેકલાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ મણિમેકલાઈ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.