Karnataka Assembly Election Results 2023: કર્ણાટક ચૂંટણીમાં ભાજપને  હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે  તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને  કોંગ્રેસે 224 વિધાનસભા બેઠકોમાંથી 135 પર જંગી જીત મેળવી છે. કોંગ્રેસે જે રીતે દક્ષિણના રાજ્યમાં ભાજપ પક્ષને પછાડ્યો, તે છેલ્લા એક દાયકાથી સંઘર્ષ કરનાર પક્ષ માટે મોટી ઉપલબ્ધિ છે. પાર્ટીએ 43 ટકાથી વધુ વોટ શેર સાથે જીત મેળવી હતી.


કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ હવે તમામની નજર મુખ્યમંત્રી પદ પર છે. સીએમના નામ પર સસ્પેન્સ યથાવત છે. જો કે કોંગ્રેસ પાર્ટીની જીત બાદ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સીએમ પદના બે મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આ મુદ્દે રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે રવિવારે  કહ્યું કે તેમણે પાર્ટી માટે ઘણી વખત બલિદાન  આપ્યા છે.


પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે શું કહ્યું ?


કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિવકુમારે રવિવારે લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુરમાં સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, "કેટલાક લોકો કહે છે કે મારી અને સિદ્ધારમૈયા વચ્ચે મતભેદો છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. પાર્ટી માટે  ઘણી વખત મેં બલિદાન આપ્યા છે.   હું સિદ્ધારમૈયા જી સાથે ઉભો છું. મેં સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે.



શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ શિવકુમાર અને સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદના બે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પાર્ટીએ 224 માંથી 136 બેઠકો જીતી છે.  જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો મળી. સીએમ પદને લઈને ડીકે શિવકુમારના નજીકના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી, અમારી પાસે 75 ધારાસભ્યોનું સમર્થન છે. 


કર્ણાટકમાં શપથ ગ્રહણની તારીખ આવી સામે


કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દરેકના મનમાં એક જ સવાલ સળગી રહ્યો છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કોંગ્રેસની જંગી જીતે નેતાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે, પરંતુ સત્તા કોના હાથમાં રહેશે તે હજુ નક્કી થયું નથી. આ બધાની વચ્ચે સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાર્ટીએ શપથગ્રહણનો દિવસ અને તારીખ નક્કી કરી લીધી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (18 મે) નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. આ બધું નક્કી થયા બાદ પાર્ટી સમક્ષ સૌથી મોટો મુદ્દો એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે?