નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લેનારા યેદુરપ્પાએ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી હતી. જોકે, આ સંબંધમાં એક કે બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ યેદુરપ્પાએ કહ્યું કે, અમારા વચન પ્રમાણે હું ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરું છું.
બહુમત સાબિત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, મને 100 ટકા વિશ્વાસ છે કે અમે બહુમત સાબિત કરવામાં સફળ રહીશુ. બીજેપી નેતાએ કહ્યું કે હું વડાપ્રધાન અને બીજેપી અધ્યક્ષ અમિત શાહનો આભારી છું કે તેમણે મને આ જવાબદારી આપી છે. હું રાજ્યના ખેડૂતો અને એસટી-એસસીનો પણ આભારી છું કે તેમણે મારી પસંદગી કરી છે. હું તેમને વિશ્વાસ આપું છું કે હું તેમને આપેલા તમામ વચનો પુરા કરીશ.
યેદુરપ્પાએ કહ્યું કે, હું તમામ 224 ધારાસભ્યોને સમર્થનની અપીલ કરું છું. મને આશા છે કે તેઓ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને મને સમર્થન આપશે. મને વિશ્વાસ છે કે હું વિધાનસભામા વિશ્વાસનો મત પ્રાપ્ત કરીશ અને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યની સરકારનું નેતૃત્વ કરીશ. વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલો જનાદેશ રાજ્યના વિકાસ માટે છે.