બેંગલુરુ: કર્ણનાટકની કૉંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર વચ્ચે આંતરીક ખેચતાણ ચાલી રહી છે. મુખ્યમંત્રી અને જેડીએસ નેતા કુમારસ્વામીએ કહ્યું કે તેઓ સત્તામાં તો છે પરંતુ ખુશ નથી. તેમણે કહ્યું હું જાણું છું કે હું મુખ્યમંત્રી બન્યો તેનાથી તમે ખુશ છો પરંતુ હું ખુશ નથી. ભગવાન નીલકંઠની જેમ ઝેર પી રહ્યો છું. આમ કહેતા કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
કુમારસ્વામીએ કહ્યું કે, “ચૂંટણી પહેલા હું મુખ્યમંત્રી બનવા માંગતો હતો અને મેં જનતાને અનેક વચનો પણ આપ્યા હતા. આજે લોકો ખુશ છે પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ હું ખુશ નથી. જો હું ઈચ્છું તો મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકું છું. આજે હું જ્યાં પણ જાઉ છું લોકો સ્વાગત કરે છે. લોકો કહે છે કે ખેડૂતોના દેવા માફીથી તેઓ ખુશ છે. પરંતુ મને દુખ એ વાતનું છે કે તેઓએ અમારી પાર્ટીને પૂર્ણ બહુમતથી નથી જીતાડી. લોકો અમને પ્રેમ કરે છે.” કુમારસ્વામીએ બેંગલુરુમાં જનતા દળ સેક્યુલર તરફથી આયોજીત સન્માન સમારોહમાં સંબોધન વખતે આ કહ્યું હતું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળી ન હતી. જો કે ભાજપને રોકવા માટે કૉંગ્રેસ અને જેડીએસ એ ચૂંટણી બાદ ગઠબંધન કર્યું હતું. પરંતુ મંત્રી પદની વહેચણી, ખેડૂતોની દેવા માફી, પેટ્રોલ-ડિઝલની કિંમત જેવા મુદ્દાઓને લઈને જેડીએસ અને કૉંગ્રેસ સામ-સામે આવી ચૂકી છે. વિવાદનો ઉકેલ લાવવા માટે કુમારસ્વામીએ અનેક વખત કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત પણ લીધી છે. પરંતુ હવે મુખ્યમંત્રી પોતે સત્તામાં હોવા છતા ખુશ ના હોવાની વાત કહી છે.