નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસરના કારણે કેરળ સરકારે રાજ્યમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગારમાં એક વર્ષ સુધી 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જાહેરાત કરી હતી કે રાજ્યના તમામ મંત્રી, ધારાસભ્યો, સરકારી બોર્ડના સભ્યો અને અન્ય પ્રતિનિધિઓના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તમામના પગારમાં એક વર્ષ સુધી 30 ટકા પ્રતિ મહિનાના હિસાબે કાપ મુકવામાં આવશે.


કેરળ ભારતનું પ્રથમ રાજ્ય છે જ્યાં કોરોના વાયરસનો સૌ પ્રથમ કેસ સામે આવ્યો હતો. શરૂઆતમાં કેરળમાં ત્રણ દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાયા હતા જે જલદી સ્વસ્થ થઇ ગયા હતા. બાદમાં દેશભરમાં કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર કેરળમાં અત્યાર સુધીમાં કુલ 438 કોરોના દર્દીઓ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. જોકે, 323 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.