નવી દિલ્હીઃ કેરલમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે આખું રાજ્ય લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. લોકડાઉનના કારણે સૌથી વધુ અસર રાજ્યના આદિવાસી વસ્તી પર પડી છે. વાસ્તવમાં લોકડાઉનના કારણે આદિવાસીઓને રાશન મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ થઇ રહી છે. જેના કારણે પથાનામથિટ્ટા શહેરના જિલ્લા કલેક્ટર પીબી નાથ અને માકપાના ધારાસભ્ય કેયૂ જનેશ કુમારે લોકડાઉન છતાં 37 આદિવાસી પરિવારો સુધી રાશન પહોંચાડવાનો નિર્ણય લીધો હતો.



કલેક્ટર પીબી નાથ અને ધારાસભ્ય કેયૂ જનેશ કુમાર અલગામમાં રહેતા એક અવનીપારા આદિવાસી વસ્તી સુધી જાતે જ જરૂરી ચીજવસ્તુઓનો સામાન ખભા પર લઇને ત્રણ કિલોમીટર સુધી જંગલ ખૂંદતા પહોંચ્યા હતા. કલેક્ટર પીબી નાથે મિશન માટે સ્વયંસેવકોની મદદ લીધી હતી. લોકોની સંખ્યાને સિમિટ કરવા માટે કલેક્ટર અને ધારાસભ્યો ફક્ત કેટલાક લોકોને લઇને લોકો માટે રાશન લઇને  તે ગામ પહોંચ્યા હતા.



તેઓ લગભગ ત્રણ કિલોમીટર સુધી ચાલતા નદી અને પર્વતો ખૂંદતા તે ગામમાં પહોંચ્યા હતા તેની  તસવીરો વાયરલ થતા લોકોએ આ કલેક્ટર અને ધારાસભ્યના ખૂબ વખાણ કર્યા હતા.કલેક્ટર અને ધારાસભ્યોએ ચોખાની બોરીઓ અને અન્ય ચીજવસ્તુઓને પોતાના ખભા પર મુકી હતી.

નોંધનીય છે કે અવનીપારા આદિવાસી વસ્તી મીનાચિલ નદીની બીજી તરફ પેરિયાર અભયારણ્યની અંદર 12 કિલોમીટરમાં છે. અહી રહેતા 30 આદિવાસી પરિવારો લોકડાઉનના કારણે જરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા હતા. વોર્ડના કાઉન્સિલર દ્ધારા જાણ કરાયા બાદ માકપા ધારાસભ્ય જનેશ કુમાર અને કલેક્ટરે જંગલમાં જઇને પરિવારોને ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી હતી