નવી દિલ્હી: ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપમાં ભારતની એન્ટ્રીને લઈને ન્યૂઝિલેન્ડ ભારત તરફ નરમ પડ્યું છે. જોકે ન્યૂઝિલેંડનું એવું કહેવું છે કે, આ સમૂહનો વિસ્તાર માત્ર માપદંડો પર આધારિત હોવું જોઈએ. આ વિસ્તાર કોઈ દેશ માટે ખાસ રીતે ન હોવું જોઈએ, તો બીજી બાજુ તુર્કી હજી પણ પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. ન્યૂઝિલેન્ડે કહ્યું કે એનએસજીના મેમ્બર વધારવા માટે એક ક્રાઈટેરિયા હોવો જોઈએ. અને માત્ર એક દેશનો સમાવેશ કરવા માટે ગ્રૂપને વધારવું ન જોઈએ. 48 દેશોના ગ્રૂપ એનએસજીની ગત મીટિંગ 9 જૂને મળી હતી. હવે પછીને મીટિંગ 24 જૂને થશે.
પાકિસ્તાનના વડાપ્રધાનના વિદેશી સલાહકાર સરતાજ અજીજે આ મુદ્દા ઉપર પોતાનું સમર્થન યથાવત રાખતા તૂર્કીનો આભાર માન્યો છે. અજીજે વધુમાં કહ્યું છે કે, જો ભારત માટે એનએસજીના દરવાજા ખુલ્લા છે તો પાકિસ્તાનને પણ નિશ્ચિતરૂપથી તેમાં સ્થાન મળશે.
રિપોર્ટ પ્રમાણે ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને સાઉથ આફ્રીકા પણ ભારતને એનએસજીનું મેમ્બર બનાવવાની ફેવરમાં નથી કેમ કે ભારતે હજી સુધી એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યા. અમેરિકાએ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડને કહ્યું હતું કે, તે ભારતનો એનએસજીનો રસ્તો ન રોકે. અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરીએ પત્ર લખીને બન્ને દેશોને ભારતના પક્ષમાં સહમતિ બનાવવાની અપીલ કરી છે. આ સમૂહની સ્થાપના 1974માં ભારતના પરમાણુ પરીક્ષણના જવાબમાં કરવામાં આવી હતી. આ સમૂહ કોઈ પણ રીતે પરમાણુ સામગ્રી, ઉપકરણો અને ટેકનિક ઉપર નિયંત્રણ લગાવે છે. 2016 સુધી આ સમૂહમાં 48 સભ્ય દેશ છે.