મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા મહારાષ્ટ્ર પર વધુ એક સંકટ આવવાનું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડું નિસર્ગ ત્રાટકવાનું છે. મહારાષ્ટ્ર સરકારે નિસર્ગ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. NDRFની 40 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. મુંબઈમાં ત્રણ, રાયગઢમાં ચાર, પાલઘર, થાણે અને રત્નાગિરીમાં એનડીઆરએફની બે-બે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

BMC દ્વારા 35 સ્કૂલોમાં દરિયાકાંઠે રહેતા લોકોને ખસેડીને આશરો આપવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્રમાં સૌથી પહેલા અલીબાગ સરહદે ટકરાશે. 110 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું હોવાનું કહેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે વાવાઝોડાનું નામ કેવી રીતે રાખવામાં આવે છે ? 2000માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાંમાર, માલદીવ, ઓમાન, થાઈલેંડ જેવા ઉષ્ટકટિબંધ દેશોએ તેમના વિસ્તારમાં ઉદભવતા વાવાઝોડાનું નામ ખુદ રાખવાનો ફેંસલો લીધો.


બાંગ્લાદેશના સૂચન પરથી રાખવામાં આવ્યું નામ

મની કંટ્રોલના રિપોર્ટ પ્રમાણે મે મહિનામાં એમ્ફાન વાવાઝોડાએ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. જે બાદ નિસર્ગ વાવાઝોડાના ખતરો ઉભો થયો છે. નિસર્ગનું નામ બાંગ્લાદેશ સૂચવ્યું હતું. 2020માં જાહેર થયેલા 169 નામના લિસ્ટમાંથી તેની પસંદગી કરવામાં આવી, ભારતીય હવામાન વિભાગે એપ્રિલ 2020માં વાવાઝોડાના 169 નામનું લિસ્ટ જાહેર કર્યુ હતું. હવે ભારતમાં ક્યારેય વાવાઝોડું આવવાની શક્યતા હશે તો તેનું નામ રાખવામાં મદદ મળશે. ઉત્તર ભારત, બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાનું નામ રાખવામાં આનાથી સરળતા રહેશે. IMD ના માપદંડોનું પાલન કરીને ભારતમાં વાવાઝોડાનું નામ રાખવાની જવાબદારી છે.

નિસર્ગને મતલબ થાય છે પ્રકૃતિ

આ ઉપરાંત IMD 12 અન્ય રાજ્યો માટે પણ એડવાઇઝરી જાહેર કરે છે. જેમને વોવાઝોડા વખતે તૈયાર રહેવાની સૂચના મળે છે. નિસર્ગનો અર્થ પ્રકૃતિ થાય છે. વાવાઝોડાનું નામ લોકોના નામ પરથી રાખવામાં નથી આવતા. વિશેષ નામની સાથે જાહેર કરેલી ચેતવણીથી મોટા વર્ગ સુધી સંદેશ પહોંચાડવામાં મદદ મળે છે. વાવાઝોડાના નામથી વૈજ્ઞાનિકોને પણ સરળતા રહે છે. વાવાઝોડાના નામનું લિસ્ટ તૈયાર કરતી વખતે સરકારી પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.