નવી દિલ્લીઃ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં બીજા રોગો વધી રહ્યા છે. કોરોનાના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં મ્યુકર માઇકોસિસના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનામાંથી સાજા થયેલા દર્દીમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે.


બ્રિટનની ઓક્સફર્ડ જર્નલના અહેવાલ પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમના માટે 'રીક્વરી ફેઝ' જોખમી પુરવાર થઇ રહ્યો છે. કોરોનાના ગંભીર લક્ષણો હોય છતાં સાજા થયેલા દર્દીઓ પૈકી 50 ટકા દર્દી હાર્ટ એટેકનો ભોગ બને છે.


આ અંગે મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે,  કોરોનાના દર્દીમાં થ્રમ્બોસિસએટલે કે રક્તવાહિનીમાં લોહી ગંઠાવવાનો ખતરો  વધી જતો હોય છે. કોઈને વેનોસ થ્રમ્બોસિસ થાય તો પગની નસમાં લોહી ગંઠાઇ જાય અને પછી તે ફેફસાંમાં જાય તો ક્લોટિંગની સંભાવનામાં વધારો થાય છે.


આ ઉપરાંત અન્ય મહત્વની વાત એ છે કે,  જે લોકોને અગાઉ એટેક આવેલો હોય તો તેમને પણ કોરોનાથી સાજા થયા બાદ થોડા દિવસોમાં અથવા તો કોરોનાની સારવાર દરમિયાન એટેક આવવાની સંભાવના વધી જાય છે. તેનું કારણ ડી ડાઇમરના પ્રમાણમાં થતો વદારો છે. ડી ડાઈમર વધી જાય તેને કારણ પણ હાર્ટ એટેક આવે છે.  આ કારણે ડોક્ટર દર્દીને લોહી પાતળું કરવાની દવા આપવા પર ભાર મૂકે છે.


ડોક્ટરો સલાહ આપે છે કે.  હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ કોરોનામાંથી સાજા થાય એ પછી તેમણે હૃદયને લગતી દવા નિયમિત રીતે ચાલુ રાખવી જોઇએ. સૌથી મહત્વની કાળજી એ રાખવી કે, સહેજ પણ ગભરામણ થાય કે છાતીમાં સાધારણ પણ દુઃખાવો અનુભવાય તો તેમણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. કોરોના પછી ફેફસામાં તકલીફ થાય ત્યાર બાદ હૃદયમાં જમણી બાજુ ભાર વધી જતો હોય છે અને તેના કારણે પણ હૃદયની તકલીફ વધી જતી હોય છે.