પટણાઃ આરજેડીના સીનિયર નેતા રઘુવંશ પ્રસાદ સિંહે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતુ. હવે આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે રઘુવંશ યાદવ સિંહને પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં લાલુ યાદવે કહ્યું હતું કે, જ્યારે તમે સ્વસ્થ થઇ જાવ ત્યારે આપણે વાત કરીશું. તમે ક્યાંય જઇ રહ્યા નથી. નોંધનીય છે કે રઘુવંશ હાલમાં દિલ્હીની એઇમ્સમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.



લાલુ યાદવે લખ્યું કે, તમારા દ્ધારા કથિત રીતે લખવામાં આવેલી એક ચિઠ્ઠી મીડિયામાં ચલાવવામાં આવી રહી છે. મને તો વિશ્વાસ થઇ રહ્યો નથી. હાલમાં મારો પરિવાર અને આરજેડી પરિવાર તમને સ્વસ્થ થઇને અમારી વચ્ચે જોવા માંગે છે. ચાર દાયકાઓમાં રાજકીય, સામાજિક અને પારિવારીક મામલામાં જોડે બેસીને વિચાર કર્યો છે. તમે જલદી સ્વસ્થ થઇ જાવ પછી બેસીને વાત કરીશું. તમે ક્યાંય જઇ રહ્યા નથી. સમજી જાવ

લાલુ યાદવને લખેલા પોતાના પત્રમા રઘુવંશ પ્રસાદ સિંહે લખ્યું હતું કે, હું જનનાયક કર્પૂરી ઠાકુરના મૃત્યુ બાદ 32 વર્ષો સુધી તમારી પાછળ ઉભો રહ્યો પણ હવે નહીં. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ ખૂબ સ્નેહ આપ્યો. મને માફ કરો. વાસ્તવમાં  રઘુવંશ પ્રસાદ સિંહ પાર્ટીમાં રામા સિંહની એન્ટ્રી અને તેજસ્વી યાદવના વલણથી ઘણા સમયથી નારાજ હતા.