છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. આ દરમિયાન જોરદાર કડાકા સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. કેટલાક શાળાના બાળકો પણ તેનાથી પ્રભાવિત થયા અને તેમણે જીવ પણ ગુમાવ્યો છે. એક વ્યક્તિ ઘાયલ છે. હાલ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રવિવારે જાંજગીર ચાંપામાં વિજળી પડી હતી
ગયા રવિવારે જાંજગીર ચાંપાના સુકાલી ગામમાં પિકનિક માટે ગયેલા 11 વર્ષના બાળક પર વીજળી પડી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાળક તેના મિત્રો સાથે ગામ નજીક પિકનિક માટે ગયો હતો. આ ઘટનામાં અન્ય 8 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગામના તળાવ પાસે 22 યુવાનો અને બાળકો પિકનિક કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે વરસાદની સાથે વીજળીના ચમકારા શરૂ થયા હતા. આનાથી બચવા બધા તળાવ પાસે આંબાના ઝાડ નીચે ઊભા રહ્યા. આ દરમિયાન આંબાના ઝાડ પર જ વીજળી પડી હતી. આ ઘટનામાં 7 યુવકો અને 2 બાળકો પણ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચંદ્રહાસ દરવેશ નામનો બાળક વીજળી પડતાં ખરાબ રીતે દાઝી ગયો હતો. જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.