નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનને બીજીવાર 19 દિવસ માટે લંબાવામાં આવ્યું છે એટલે કે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 20 એપ્રિલ બાદ ઘણાં ક્ષેત્રે છૂટછાટ આપવામાં આવશે. જેના માટે ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, દારૂ, ગુટખા, તમાકુના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઈડ લાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર સજા અને દંડ પણ થઈ શકે છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે.

ગાઈડલાઈન્સ પ્રમાણે, કોઈ પણ સંસ્થા અથવા જાહેર જગ્યાએ પાંચ અથવા તેનાથી વધારે લોકો ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વર્ક પ્લેસ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા લોકોને પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ક પ્લેસમાં બે શિફ્ટ દરમિયાન લોકોના અવર-જવર પર એક કલાકનું અંતર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈન્સ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓના ઘરે પાંચ વર્ષની નાની ઉંમરના બાળકો હોય અથવા કોઈ વૃદ્ધ હોય તો તેમને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે. તમામ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે, શિફ્ટ ખત્મ થયા બાદ ઓફિસને સેનેટાઇઝિંગ કરવામાં આવે.


આ સિવાય તમામ કર્મચારીઓની થર્મલ સ્ક્રીનિંગ અને તેમના અવર-જવર સમયે સેનેટાઈઝર ઉપયોગ કરવામાં આવે. લંચના સમયે પણ અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડ લાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, કાર્ગો સિવાય તમામ પ્રકારની ફ્લાઈટ્સ સંપૂર્ણપણે બંધ રહેશે. આ રીતે તમામ સાર્વજનિક પરિવહન સેવાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ઓટો રિક્શા, ટેક્સી અને કેબ સેવાઓ પણ બંધ રહેશે.


ગાઈડલાઈન્સમાં સામાજિક ટોળાં પર પણ રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ આયોજન અથવા લગ્ન સમારોહ પર પણ પ્રતિંબધ લગાવવામાં આવ્યો છે. મેડિકલ ઈમરજન્સીને બાદ કરતાં લોકોને એક જિલ્લામાંથઈ બીજા જિલ્લામાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.