નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે થોડા જ દિવસ બાકી છે. એવામાં ચૂંટણી પંચે કોઈપણ નિયમ તોડનાર વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. આ જ ક્રમમાં ચૂંટણી પંચે રેલવે મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નોટિસ પાઠવી છે. આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હોવા છતાં શા માટે રેલવેએ પ્રવાસી ટિકિટ અને એર ઈન્ડિયાએ બોર્ડિંગ પાસ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો હટાવી નથી. બંને મંત્રાલયે ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો રહેશે.
એર ઈન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તસવીરો સાથેના બોર્ડિંગ પાસના મામલે વિવાદ વકરતા તેને પરત ખેંચી લીધા હતા. પંજાબના પૂર્વ ડીજીપી શશીકાંતે આ બાબતે ટ્વીટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ઓમર અબ્દુલ્લાહે પણ આ જ પ્રકારે ગો એરનો અનુભવ વર્ણવ્યો હતો. એર ઈન્ડિયાએ આચાર સંહિતાનો ભંગ થતો હોય તેવી તમામ સામગ્રી હટાવી લેવાની જાહેરાત કરી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલે પણ રેલવેમાં આચાર સંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચનું ધ્યાન દોરતા રેલવેએ પ્રવાસી ટિકિટ પરથી વડાપ્રધાનની તસવીરો હટાવી દીધી હતી.