નવી દિલ્હી: બળાત્કારના આરોપીઓને આકરી સજા કરવા માટે આપરાધિક કાનૂન(સંશોધન) વિધેયક 2018 લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. હવે આ કાયદાને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં પાસ થયા બાદ નવો કાયદો અમલમાં આવશે. આ કાયદા હેઠળ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથેના બળાત્કાર કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આ વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું કે બળાત્કારની ઘટનામાં પીડિતાને તાત્કાલિક મફત પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલ તાત્કાલિક પોલીસને જાણ કરશે. તેમણે કહ્યું કે સભ્ય સમાજમાં મહિલા, બહેનો અને દિકરીઓની સુરક્ષા આપણા બધાની નૈતિક જવાબદારી છે. આપણી સરકાર યૌન અપરાધના તમામ મામલે પીડિતાઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે.

રિજિજૂએ જણાવ્યું કે, નવા કાયદા પ્રમાણે પૂછપરછમાં કોઈ પણ પીડિતા સાથે તેના આચરણ વિશે સવાલ નહીં પૂછી શકે. તેમણે કહ્યું કે આઈપીસી શબ્દાવલી પ્રમાણે બિલમાં 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના સ્થાન પર મહિલા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

તેના પહેલા સદનમાં બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમ સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ફાંસીની સજાની જોગવાઈ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આપણી અદાલતોમાં જજોની કમી છે. લાખો કેસો પેન્ડિંગ છે. એવામાં આ બિલ જમીન પર કામ કઈ રીતે કરશે. ઓવૈસીએ કહ્યું, પોલિસ ફરિયાદ જ નથી તો આરોપીઓને સજા કઈ રીતે મળશે. આપણે સમાજની દ્રષ્ટિએ બદલાવની જરૂર છે. બાળત્કાર કાનૂનથી નહીં, પુરુષોની માનસિકતા બદલવાથી આવી ઘટનાઓ અટકી શકે છે.