ભોપાલ: ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની એક ચૂંટણી સભા દરમિયાન જીભ લપસી હતી. તેમણે ભૂલમાં મધ્યપ્રદેશમાં ત્રણ નવેમ્બરે યોજાનારા મતદાનમાં લોકોને કૉંગ્રેસને મત આપવા કહ્યું હતું. સિંધિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે ગ્વાલિયર જિલ્લાના ડબરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના પક્ષમાં શનિવારે રેલી દરમિયાન કૉંગ્રેસ માટે મત માંગતા જોવા મળ્યા હતા.

સિંધિયાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, મુઠ્ઠી બાંધીને વિશ્વાસ અપાવો કે 3 તારીખે તમે પંજાનુ બટન દબાવશો. ભૂલનો અહેસાસ થતા તેમણે કમળના ફૂલવાળુ બટન દબાવીને ભાજપને જીતાડવા કહ્યું હતું.

જો કે આ ભાષણ બાદ કોંગ્રેસને પણ સિંધિયા પર ટોણો મારવા માટે એક જોરદાર કારણ મળી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાએ કોંગ્રેસ નેતાગીરી સામે બળવો કરીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે છેડો ફાડ્યો હતો. જેના કારણે કોંગ્રેસને મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવવી પડી હતી. એ પછી હવે 28 બેઠકો પર ફરી પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્રણ નવેમ્બરના મતદાન છે જેના પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.