ભોપાલ: કર્ણાટકમાં કૉગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર પડી ગયા બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. પરંતુ બુધવારે વિપક્ષ પાર્ટી ભાજપને વિધાનસભામાં મોટો ઝટકો લાગ્યો. ભાજપના બે ધારાસભ્યોએ વિધાનસભામાં એક બિલ પર વોટિંગ દરમિયાન કમલનાથ સરકારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું.

વોટિંગ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે “બીજેપી કહે છે કે અમારી સરકાર અલ્પમતમાં છે. જે ગમે ત્યારે પડી શકે છે. પરંતુ આજે વિધાનસભામાં આપરાધિક કાનૂન સંશોધન બિલના સમર્થનમાં મતદાન થયું અને ભાજપના બે ધારાસભ્યએ બિલના પક્ષમાં મતદાન કર્યું હતું. ” બિલના પક્ષમાં વોટ કરનાર ભાજપના બે ધારાસભ્યમાં શરદ કોલ અને નારાયણ ત્રિપાઠી સામેલ છે.


નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવે કહ્યું હતું કે, “ઉપરથી નંબર 1 અને 2 નો આદેશ આવશે તો એક જ દિવસમાં મધ્યપ્રદેશ સરકાર પડી શકે છે. ” તેના જવાબમાં મુખ્યમંત્રી કમલનાથે વિપક્ષને બહુમત પરીક્ષણનો પડકાર આપતા કહ્યું કે  વિપક્ષ ઇચ્છે તો ગમે ત્યારે બહુમત પરીક્ષણ કરી લે. અમે આજે જ તેના માટે તૈયાર છે. અહીં કોઈ ધારાસભ્ય બિકાઉ નથી. કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે અને દમથી ચાલશે. વિકાસનો એવો નકશો બનશે જે તમામ વર્ગ માટે હશે.