મુંબઇઃ મહારાષ્ટ્ર યુવા કોગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં શિક્ષિત બેરોજગાર યુવકોને 5000 રૂપિયા માસિક ભથ્થુ અને નોકરીઓમાં સ્થાનિક યુવાઓને 80 ટકા અનામત આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ પ્રકારનો આ પ્રથમ મેનિફેસ્ટો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


યુવા કોગ્રેસે આ ચૂંટણી ઢંઢેરામાં તેજસ્વી સ્થાનિક વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે સરકારી શિષ્યવૃતિ આપવા, શૈક્ષણિક દેવુ માફ કરવા અને દિવ્યાંગ યુવાઓને મફતમાં ઉચ્ચ શિક્ષણ આપવાનું પણ વચન આપ્યું છે. મેનિફેસ્ટોમાં કહ્યું કે, જો કોગ્રેસ સત્તામાં આવશે તો તે ઉચ્ચ શિક્ષણ માટે ખેડૂતોના સંતાનો દ્ધારા લોનની ગેરંન્ટર બનશે.

મહારાષ્ટ્ર યુવા કોગ્રેસ અધ્યક્ષ સત્યજીત તાંબેએ કહ્યું કે, વેક અપ મહારાષ્ટ્ર, એક્ટ ટુડે ફોર યોર ટુમોરો કાર્યક્રમ તરીકે તેની સાથે ત્રણ કરોડ યુવા જોડાયા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી મળેલા યુવાઓના સૂચનો, વિચારો, મત અને સમાધાનને પસંદ કરવામાં આવ્યા છે અને આ પ્રકારે પ્રથમ યુવા મેનિફેસ્ટોમાં સામેલ કરાયા છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બર 2019 સુધી લેવામાં આવેલા શૈક્ષણિક લોનને માફ કરી દેવામાં આવશે. જરૂરિયાતમંદ યુવાઓ માટે સરકારી હોસ્ટલોમાં બેઠકો વધારવા અને તમામ દિવ્યાંગ યુવાઓને મફતમાં ઉચ્ચ શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે.