મુંબઇઃ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસમાં જાણવા મળ્યુ હતું કે બેન્કમાં ખોલવામાં આવેલા મોટાભાગના એકાઉન્ટ્સ નકલી હતા. તપાસમાં 21049 એકાઉન્ટ્સ નકલી હોવાનો ખુલાસો થયો હતો. આ એકાઉન્ટ્સ એટલા માટે ખોલવામાં આવ્યા હતા કે એચડીઆઇએલને આપવામાં આવેલી લોન છૂપાવવામાં આવી શકે. મોટાભાગના એકાઉન્ટ્સ મૃતકોના નામ પર ખોલવામાં આવ્યા હતા. સૂત્રોએ કહ્યું કે, આરબીઆઇને માર્ચ 2018માં જે લોન એકાઉન્ટ્સની ડિટેઇલ્સ આપવામાં આવી હતી તેમાં મોટાભાગના મૃતકોના નામ પર હતા અથવા તો તેમના નામ પર હતા જેઓ એકાઉન્ટ્સ બંધ કરી ચૂક્યા હતા.

45 દિવસોની અંદર જ આ એકાઉન્ટ્સ ઓપન કરવામાં આવ્યા હતા અને તેની ડિટેઇલ્સ આરબીઆઇને સોંપવામાં આવી હતી. એકાઉન્ટ્સમાં આપવામાં આવેલી રકમની જાણકારી HDIL અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોનથી ખૂબ ઓછી હતી. આ 21049 એકાઉન્ટ્સ કોર બેન્કિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા નહોતા પરંતુ તેમને એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રીના રૂપમાં આરબીઆઇ સામે રજૂ કર્યા હતા.

આરબીઆઇ પોતાની શરૂઆતની તપાસમાં HDILના 44માંથી ફક્ત 10 એકાઉન્ટ્સ યોગ્ય જણાયા હતા. આરબીઆઇ બાકી બચેલા ખાતા ધારકોની તપાસમાં લાગી છે. સૂત્રોના મતે કૌભાંડની બેન્કના રિઝર્વ પર ખરાબ અસર પડી છે. ફંડ્સની અછત લગભગ 3000 કરોડથી વધુ હોઇ શકે છે.