મુંબઈ: ભાજપે અને અજીત પવારે સાથે મળીને શપથ લેતાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને જોરદાર ડ્રામ ચાલી રહ્યો છે. આ બધાંની વચ્ચે મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે મોડી રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. અજીત પવારને 25 ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત સામે આવી છે. જ્યારે અજીત પવારના પક્ષને 14 મંત્રાલયો મળી શકે છે. જોકે બીજેપી પહેલા 14 મંત્રાલયોની ઓફર શિવસેનાને પણ આપી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બીજી તરફ એનસીપીએ પોતાના ધારાસભ્યોને હોટલ રેનસોમાંથી હોટલ હયાતમાં શિફ્ટ કર્યાં છે. એનસીપી ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે હોટલ રેનસામાં એક પોલીસ અધિકારીને લઈને હંગામો કર્યો હતો. પોલીસ અધિકારી વર્દીમાં ન હતો. વર્દીમાં ન હોવાના કારણે ધારાસભ્યે પોલીસ અધિકારી ઉપર જાસુસી કરવાની શંકા વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં દર કલાકે સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં. અજીત પવાર ટ્વીટર પર જરા પણ સક્રિય જોવા મળ્યાં નહતાં.

પરંતુ અચાનક સાંજે તેઓ ટ્વીટર પર ખુબ સક્રિય જોવા મળ્યાં હતાં. સૌથી પહેલાં તો તેમણે પોતાનું ટ્વીટર સ્ટેટ્સ બદલીને ડેપ્યુટી સીએમ કરી દીધું હતું. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓને તથા પોતાના શુભચિંતકોને શુભેચ્છા સંદેશાઓ પર આભાર વ્યક્ત કર્યો હતો. અજીત પવારે નરેન્દ્ર મોદીને ટ્વિટ કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં.

સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મામલે રવિવારે કોઈ જ નિર્ણય આવ્યો ન હતો. કોર્ટ આ મામલે આજે 10.30 વાગે વધુ સુનાવણી હાથ ધરશે. આ ઉપરાંત કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ પણ ફટકારી હતી.