નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે. મહારાષ્ટ્રના પરલીમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ અને એનસીપી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. કાશ્મીર મામલે કૉંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, “કૉંગ્રેસના એક નેતાએ કહ્યું કે કાશ્મીરમાંથી 370 હટાવવાનો નિર્ણય દેશને બર્બાદ કરી દેશે. ત્રણ મહિના વીતી ગયા, શું દેશ બર્બાદ થયો ? બીજા એક કૉંગ્રેસ નેતાએ કહ્યું કે 370 હટાવવાના નિર્ણયથી આપણે કાશ્મીર ગુમાવી દીધું. શું આપણે કાશ્મીર ગુમાવ્યું ?” પીએમ મોદીએ તેઓને જવાબ આપતા કહ્યું કે જો તેઓ કાશ્મીર જવા માંગે છે તો મને જણાવે, હું વ્યવસ્થા કરી આપીશ.


પીએમ મોદીએ કહ્યું કે દેશની એકતા અખંડતમાં કૉંગ્રેસને હિંદુ-મુસ્લિમ નજર આવે છે અને ઇતિહાસમાં જ્યારે પણ 370ની ચર્ચા થશે ત્યારે દેશહિતમાં લીધેલા નિર્ણયનો વિરોધ કરનારા અને તેમના નિવેદનોનો ઉલ્લેખ અવશ્ય થશે.

કૉંગ્રેસ કહે છે કે કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો નથી. કૉંગ્રેસના વધુ એક નેતાએ કહ્યું હતું કે આ દેશને બર્બાદ કરનારો નિર્ણય છે. શું આવા નિવેદન આપનારાઓને તમે માફ કરશો ? પીએમ મોદીએ કહ્યું કે 370નો વિરોધ અમારી પાર્ટીનો જન્મ થયો તે દિવસથી જ કરતા આવ્યા છે. અમે રાજનીતિ માટે નથી કરતા, દેશનીતિ માટે કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કાશ્મીરને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આઝાદનું કહેવું હતું કે તેમને કાશ્મીર જવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. આઝાદે 370 હટાવ્યા બાદ બે વખત કાશ્મીરમાં જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને તંત્રએ એરપોર્ટથી જ પરત મોકલી દીધાં હતા.