મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મુલાકાતોનો દોર ચાલી રહ્યો છે. આ ક્રમમાં વધુ એક મુલાકાત થવાની છે. ગુરુવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. શિવસેના અને ભાજપની સરકાર બનાવવાની કવાયત વચ્ચે ગડકરી અને સંઘ પ્રમુખની મુલાકાત પર સૌની નજર છે. આ પહેલા મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે ખુદ ભાગવત સાથે મુલાકાત કરી હતી.


રાજ્યમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જો આ પહેલા સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. ચૂંટણી પરિણામ બાદ શિવસેના ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા પર અડગ છે. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે 50-50 ના પ્રસ્તાવ પર જ વાત થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટોમાંથી ભાજપ-શિવસેના ગઠબંધનને 161 સીટો મળી છે. ભાજપને 105 સીટ અને શિવસેનાને 56 સીટ મળી છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા શિવસેના નેતા કિશોર તિવારીએ મોહન ભાગવતને એક પત્ર લખીને અપીલ કરી હતી તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે. તેની સાથે કહ્યું હતું ક તે નિતિન ગડકરીને આ મામલે નિરાકરણ લાવવા માટે મોકલે. એટલું જ નહીં તેમણે એ પણ કહ્યું હતું કે ગડકરી માત્ર બે કલાકમાંજ આ મામલાનો ઉકેલ લાવી દેશે.