Maharashtra Political Crisis Live: શિવસેના નેતા એકનાથ શિંદે (Eknath Shinde)ના વિદ્રોહ વચ્ચે પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો અસમમાં ધામા નાખીને બેઠેલા બળવાખોર ધારાસભ્યોનું ગ્રુપ 24 કલાકમાં મુંબઈ પરત ફરે છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે ચર્ચા કરે છે તો શિવસેના મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર છોડવા માટે તૈયાર છે. રાઉતના આ નિવેદન ઉપર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે ભાજપ સત્તામાં ના આવે એટલા માટે શિવસેનાની સાથે છીએ. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ કરવા માટે તૈયાર છે. અમે MVAની સાથે છીએ અને રહીશું. જો શિવસેના કોઈ બીજા સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે તો અમને કોઈ વાંધો નથી.
સંજય રાઉતે શું કહ્યું?
આજે સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, "તમે કહો છો કે તમે અસલી શિવસૈનિક છો અને પાર્ટી નહી છોડો. અમે તમારી માંગ ઉપર વિચાર કરવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એટલી છે કે, તમે 24 કલાકમાં મુંબઈ પરત આવી જાઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો. તમારી માંગો પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે. ટ્વિટર અને વોટ્સઅપ પર પત્રો ના લખો." તેમણે વધુમાં કહ્યું "જે બળવાખોર ધારાસભ્યોએ મુંબઈથી બહાર રહીને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. જો આ બધા ધારાસભ્યોને લાગે છે કે, શિવસેનાને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નિકળવું જોઈએ, તો મુંબઈ પરત આવવાની હિંમત બતાવો."
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે. શિંદેના આ બળવાથી MVA સરકારને સંકટમાં મુકી દીધી છે.