Eknath Shinde Vs Uddhav Thackeray Row: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વિવાદ પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે (11 મે) પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેન્ચે 16 માર્ચે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા કોર્ટે બંને પક્ષકારો અને રાજ્યપાલ કાર્યાલયના વકીલોને 9 દિવસ સુધી સાંભળ્યા હતા. સુનાવણી દરમિયાન ઉદ્ધવ કેમ્પે શિંદેના બળવા અને તેમની સરકારની રચનાને ગેરકાયદેસર ગણાવી હતી. બીજી તરફ, શિંદે કેમ્પે કહ્યું હતું કે વિધાનસભ્ય પક્ષમાં વિભાજન પછી રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપી યોગ્ય કર્યું હતું.
શું છે મામલો?
2022માં શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવાને પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી શિંદેના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જૂન અને જુલાઈ 2022માં દાખલ કરાયેલી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ઓગસ્ટમાં આ મામલો બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચે આ મામલે સુનાવણી કરી હતી. આ બેન્ચના બાકીના 4 સભ્યોમાં જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા છે.
સુનાવણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલે એમ પણ કહ્યું કે જો શિંદે સરકારને મંજૂરી આપવામાં આવે છે તો તે ભવિષ્ય માટે ખોટું ઉદાહરણ સેટ કરશે. જૂની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ઉદ્ધવ ઠાકરે તરફથી પણ માંગ કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાને બદલે પદ પરથી રાજીનામું આપનાર વ્યક્તિને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકાય?
શિંદે કેમ્પ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ અને મહેશ જેઠમલાણીએ કહ્યું કે પાર્ટીમાં ભાગલાનો કોઈ મુદ્દો નથી. શિંદેની આગેવાનીવાળી શિવસેના જ ખરી શિવસેના છે. હવે ચૂંટણી પંચે પણ તેનો સ્વીકાર કર્યો છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનું કહીને યોગ્ય કર્યું હતું.
રાજ્યપાલ કાર્યાલય વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે શિવસેનાના 34 ધારાસભ્યોએ રાજ્યપાલને કહ્યું હતું કે એકનાથ શિંદે તેમના નેતા છે. આ સાથે 47 ધારાસભ્યોએ આ પત્ર લખ્યો હતો કે શિંદેને સમર્થન આપવા બદલ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ તેમને ધમકીઓ આપી રહ્યા છે. તેથી રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતુ. તે રાજ્યપાલની બંધારણીય ફરજ હતી.
શિંદેના બળવાથી મહારાષ્ટ્રમાં રાજકીય પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અત્યારે મહારાષ્ટ્રમાં બીજેપીના સમર્થનથી શિંદેની બહુમતી સરકાર છે. ચૂંટણી પંચે પણ એક નિર્ણય આપ્યો છે કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે.