મુંબઈ: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા બાદ કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. એનસીપી નેતા નવાબ મલિકે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પર કટાક્ષ કર્યો છે.


મલિકે ટ્વિટ કરી કહ્યું કે, “ભાજપ નેતા નિતિન ગડકરીજીએ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજીનીતિમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે શરક પવાર ICCના અધ્યક્ષ રહી ચૂક્યા છે. કરી દીધાંને ક્લીન બોલ્ડ ”


આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે “મુખ્યમંત્રી ફડણવીસનું રાજીનામું મહારાષ્ટ્રની જનતાની જીત છે.”

ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરે સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ લઈને બધાને ચોંકાવ્યા હતા. ત્યારે નિતિન ગડકરીએ ફડણવીસને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, મે અગાઉ પણ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. હવે તમે સમજી શકો છો કે મારો કહેવાનો અર્થ શું હતો.

પરંતુ જે અજિત પવારના સમર્થનથી ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધાં હતા. તે અજિત પવારે જ નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેતાં મહારાષ્ટ્રની રાજનીતિમાં સુનામી આવી ગઈ છે. અજિત પવારના રાજીનામાં બાદ ફડણવીસે પણ રાજીનામુ આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. જયંત પાટિલ અને બાલાસાહેબ થોરાટ ડેપ્યુટી સીએમ બની શકે છે.