Uddhav Thackeray and Eknath Shinde : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્ધવ ઠાકરે જૂથ અને સીએમ શિંદેની સાથે ઉભા રહેલા લોકો સામસામે જોવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન 'ધનુષ અને તીર' ખરીદવા માટે "રૂ. 2000 કરોડની ડીલ" કરવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પના ધારાસભ્ય સદા સર્વંકરે આ દાવાને નકારી કાઢ્યો અને પૂછ્યું, "શું સંજય રાઉત તે સોદાના કેશિયર છે?" 


અગાઉ રાઉતે એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે, રૂ. 2,000 કરોડ એ પ્રાથમિક આંકડો છે અને તે 100 ટકા સાચો છે. તેમણે પત્રકારોને એમ પણ જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષના નજીકના એક બિલ્ડરે તેમની સાથે આ માહિતી શેર કરી હતી. રાજ્યસભાના સભ્યએ કહ્યું હતું કે, તેમના દાવાના સમર્થનમાં પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે.


"હજુ ઘણા ખુલાસા થશે"


ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. તેના 78 પાનાના આદેશમાં ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને ફાળવેલ "જ્વલંત મશાલ" ચૂંટણી પ્રતીક રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાખવાની મંજૂરી આપી હતી. સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે, શિવસેનાનું નામ ખરીદવા માટે 2000 કરોડ રૂપિયા નાની રકમ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચનો નિર્ણય એક ડીલ છે. રાઉતે ટ્વિટ કર્યું હતું કે, મારી પાસે વિશ્વસનીય માહિતી છે કે, શિવસેનાનું નામ અને પ્રતીક મેળવવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. આ એક પ્રાથમિક આંકડો છે અને 100 ટકા સાચો છે. હવે ઘણા ખુલાસા થશે. દેશના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નહોતુ. 


"હાલના મુખ્યમંત્રી તો..."


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર "વિરોધી વિચારધારા ધરાવતા લોકો સાથે જનારા"વાળા નિવેદનમ પર રાઉતે કહ્યું હતું કે, હાલના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે? શાહની વાતને મહારાષ્ટ્ર મહત્વ નથી આપતું. વર્તમાન મુખ્યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.


ઉલ્લેખનીય છે કે, શાહે શનિવારે કહ્યું હતું કે, જે લોકો વિરુદ્ધ વિચારધારા સાથે ગયા છે તેઓને આજે ચૂંટણી પંચના નિર્ણયથી ખબર પડી ગઈ છે કે સત્ય કઈ બાજુ છે. અમિત શાહે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર જ કહ્યું હતુ કે, 2019ની વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે કોઈ સમજૂતી કરવામાં આવી નહોતી. 2019ના વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડી નાખ્યું. આ માટે શિવસેનાએ દાવો કર્યો હતો કે, ભાજપ તેમની સાથે મુખ્યમંત્રી પદનો દાવો કરવાનું વચન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી (MVA)નું નેતૃત્વ કર્યું, જ્યાં સુધી શિંદેના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં સરકાર પડી ના ગઈ.