મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે સવારથી જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સવારે અજિત પવારે ભાજપને સમર્થન આપીને રાજ્યમાં સરકાર બનાવી લીધી પરંતુ સાંજ પડતા પડતા ચિત્ર બદલાતું નજર આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે સવારે અજિત પવાર જ્યારે નાયબ મુખ્યમંત્રીના શપથ લઈ રહ્યાં હતા ત્યારે તેમની સાથે એનસીપીના 11 ધારાસભ્ય હાજર હતા પરંતુ સાંજે જ્યારે શરદ પવારે બેઠક બોલાવી ત્યારે તેમાંથી આઠ ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા હતા.

શરદ પવારે બોલાવેલી બેઠકમાં કુલ 48 ધારાસભ્ય પહોંચ્યા હતા. એનસીપી પાસે કુલ 54 ધારાસભ્ય છે. સૌથી મોટી વાત એ કે ખુદ ધનંજય મુંડે પણ શરદ પવારની બેઠકમાં પહોંચ્યા હતા. આ એટલા માટે મહત્વનું છે કે ધનંજય મુંડે અજિત પવારના પક્ષમાં હતા.

સવારે અજિત પવારના સમર્થનમાં  ગયેલા 11 ધારાસભ્યમાંથી આ 8 ધારાસભ્ય પરત ફર્યા હતા. જેમાં સુનીલ શેલકે, સંદીપ, ક્ષીરસાગર, રાજેન્દ્ર શિંગણે, સુનીલ ભુસારા, માણિકરાવ કોકાટે, દિલીપ બનકર, સુનીલ ટિંગલ અને ધનંજય મુંડે છે.