મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56 બેઠકો, એનસીપીએ 54 બેઠકો અને કૉંગ્રેસે 44 બેઠકો પર જીત મેળવી છે. શિવસેના કરતા એનસપી પાસે માત્ર બે સીટો ઓછી છે. જો કે એનસીપી તરફથી સતત મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકાર આપવાની વાત કરવામાં આવી રહી છે.
એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે સોમવારે અમે કૉંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ કારણ કે તેમના વગર અમારા સમર્થનનો કોઈ મતલબ નથી. અજીત પવારે એ પણ કહ્યું કે સ્થાયી સરકાર આપવા માટે કૉંગ્રેસે સમર્થન આપવું જોઈએ. અમે કૉંગ્રેસ પાસે વાત કરીશું અને રાજ્યપાલ પાસે વધુ સમયની માંગ કરીશું.
મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.