અલવરઃ રાજસ્થાનના અલવરમાં ગાય તસ્કરીના આરોપમાં એક વ્યક્તિની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના રામગઢના લાલવંડી ગામની છે. મૃતકનું નામ અકબર ખાન છે અને તે હરિયાણાના કોલગામનો રહેવાસી હતો. જાણકારી અનુસાર, મૃતક બે ગાયોને લઇને જઇ રહ્યો હતો ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો હતો અને માર મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.


એક રિપોર્ટ અનુસાર, મૃતક અકબરનો સાથી અસલમ કોઇક રીતે ટોળાથી બચીને ભાગવામાં સફળ રહ્યો હતો. બંન્ને હરિયાણાના મેવ મુસ્લિમ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કેટલાક દિવસોમાં દેશના અલગ અલગ હિસ્સાઓમાં ટોળા દ્ધારા ગો-તસ્કરીના આરોપમાં અનેક લોકોની હત્યા કરી દેવાની ઘટનાઓ સામે આવી છે.

અલવરના એસપી અનિલ બૈજલે કહ્યું કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ લોકો ગો તસ્કરી કરતા હતા કે નહીં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. અમે લોકો દોષિતોની ઓળખ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજેએ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ભીડ દ્ધારા હત્યા કરવા મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કોઇ પણ કાયદાને હાથમાં લઇ શકે નહીં. દેશમાં ભીડતંત્રની મંજૂર કરી શકાય નહીં. લોકસભામાં વડાપ્રધાન મોદીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મોબ લિંચિંગની ટીકા કરી હતી.