ભોપાલ: રવિવારે ભોપલના રાજાભોજ એરપોર્ટ પર એક યુવક દીવાલ કૂદીને રન-વે સુધી પહોંચી જતાં પાયલોટ સહિતનો સ્ટાફ આશ્ચર્યમાં મુકાઈ ગયો તો. જેને કારણે એરપોર્ટના સહિતના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. માનસિક રીતે અસ્વસ્થ જણાતો આ યુવક હાથમાં પથ્થરો લઈને ઉદયપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ સામે છેક રન-વે પર પહોંચી ગયો હતો. સદનસીબે તે વિમાનને કશું નુકસાન પહોંચાડી શક્યો નહતો. પરંતુ ત્યાર બાદ તેણે પથ્થરો ફેંકીને ત્યાં પાર્ક એક હેલિકોપ્ટરના કાચ તોડી નાખ્યા હતાં. એરપોર્ટ સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.


પ્રાથમિક અહેવાલ પ્રમાણે, રવિવારે સાંજે ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર અંદાજે 6 વાગ્યે એક યુવક દીવાલ કૂદીને એરપોર્ટના સંવેદનશીલ એરિયામાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તે ઉદયપુર માટે ટેક ઓફ થવાની તૈયારી કરી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 3721 આગળ જઈને સૂઈ ગયો હતો.

વિમાન ગ્રાઉન્ડ પર હતું ત્યારે જ પાયલોટે આ યુવકને જોઈ લીધો હતો. તેના હાથમાં પાણીની બોટલ અને પથ્થર પણ હતા. અતિ સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતા રન-વે પર આ યુવકને જોઈને પાયલોટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. એટલે તેણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાન ટેક ઓફ કરવાના બદલે ટેક્સી વે તરફ વાળી દીધું હતું.

વિમાન સામે પથ્થરો લઈને ઊભેલા યુવકને જોતાં જ પાઈલોટે સૂઝબૂઝ સાથે ઈમર્જન્સી બ્રેક મારીને એન્જિન બંધ કરી દીધું હતું. આ કારણસર યુવક પંખામાં ફસાતા બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

સીઆઈએસએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યોગેશ ત્રિપાઠી નામનો આ 24 વર્ષીય યુવક બીસીએ થર્ડ યરનો વિદ્યાર્થી છે. તેણે સીઆઈએસએફ જવાનો જેવું જેકેટ પહેર્યું હોવાથી ગેટ પર ઊભેલા સુરક્ષાકર્મીઓએ તેને અંદર જવા દીધો હતો. સ્ટેટ હેંગર બહાર મ.પ્ર. પોલીસની પણ ચેકપોસ્ટ છે પરંતુ ત્યાં પણ તેના જેકેટના કારણે જવાનો છેતરાઈ ગયા હતા. ત્યાર બાદ તેણે સીઆઈએસએફ ચેકપોસ્ટ પર ગાર્ડને કાર્ડ બતાવીને ઘૂસણખોરી કરી હતી.