નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરે લેન્ડ લાઇન ફોર પર ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. હાલમાંજ સીએમ કેજરીવાલની પુત્રીને ધમકી આપતો મેઇલ મળ્યો હતો. ત્યારે સોમવારે સવારે તેમના લેન્ડલાઇન ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો અને ધમકીભર્યા અવાજમાં કહ્યું કે, તે જલ્દીથી કેજરીવાલને જોઇ લેશે. કેજરીવાલની ઓફિસ તરફથી ડીસીપી નૉર્થને આ વિશે સૂચના આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

કોલ કરનાર વ્યક્તિએ ધમકી આપતા કહ્યું કે, તે વિકાસપુરીમાં વિકાસ ટેન્ટ હાઉસનું કામ કરે છે. તપાસમાં જાણવા મળ્યું કે કોલ કરનાર વ્યક્તિનું નામ ભોલા છે. જે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. ત્યારબાદ ભોલાએ ફોન કાપી નાખ્યો હતો. આ કેસમાં પોલીસને ફરિયાદ મળતા કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ તે વાતની પણ તપાસ કરી રહી છે કે કોલ વિકાસપુરીથી આવ્યો હતો કે અન્ય કોઇ લોકેશનથી. પોલીસ હાલ તે વ્યક્તિને પણ શોધવાની કોશિશ કરી રહી છે, જેને કોલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાંજ મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રી હર્ષિતાનું અપહરણ કરવાનો એક ધમકીભર્યો ઇમેલ કેજરીવાલની ઓફિસિયલ ઇમેલ આઇડી પર 9 જાન્યુઆરીએ મળ્યો હતો. ઇમેલમાં કેજરીવાલને સંબોધિને લખવામાં આવ્યું હતું કે ‘તમે તમારી પુત્રીને બચાવી શકતા હોય તો, બચાવી લો. અમે તેનું અપહરણ કરી લઇશું.’જેના પગલે દિલ્હી પોલીસે હર્ષિતાની સુરક્ષા વધારી દીધી છે.