નવી દિલ્હીઃ કર્ણાટકમાં મેંગ્લોરમાં નવા નાગરિકતા કાયદાનો વિરોધમાં થઇ રહેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, પ્રદર્શન પર કાબૂ મેળવવાના પ્રયાસમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બે લોકો પોલીસની ગોળીનો શિકાર બન્યા હતા. હવે પીડિત પરિવારજનોને કર્ણાટક સરકારે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ અગાઉ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેંગ્લોર ફાયરિંગમાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના પરિવારજનોની મુલાકાત કરી હતી.
બીજી તરફ જીલલના પરિવારજનોએ તેના મોત પાછળ મેંગ્લોર પોલીસ કમિશનર પીએસ હર્ષ અને પોલીસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ કે, ત્યાં સાતથી નવ હજારની ભીડ નહોતી પરંતુ 50થી100 લોકો હતા. તેઓ એટલા લોકોને પણ કેવી રીતે મેનેજ નથી કરી શકતા. જલીલ બાળકોને લેવા ગયા હતા. બાળકો સ્કૂલેથી છૂટી ગયા હતા અને સ્કૂલ વાને તેઓને વચ્ચે જ છોડી દીધા હતા. એટલા માટે જલીલ બાળકોને લેવા ગયા હતા. આ દુર્ઘટના સાંજે પાંચ વાગ્યે થઇ હતી. જ્યારે જલીલ પોતાના બાળકોને ઘરે છોડીને બહાર ગયા તો પોલીસની ગોળી તેમને વાગી હતી.


તમિલનાડુના ભાજપના નેતા મેંગ્લોરમાં પોલીસ ફાયરિંગનો બચાવ કરતા કહ્યું કે, પોલીસ ગન અથવા ઇંટથી હુમલો થવા પર એવી રીતે જ જવાબ આપશે. ભાજપના રાષ્ટ્રીય સચિવ એચ રાજાએ શુક્રવારે ચેન્નઇમાં કહ્યું કે, ગનનો જવાબ આપણે ગનથી આપીશું.