Manish Sisodia Arrest: દિલ્હીના  નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. દિલ્હી પોલીસે તેના તમામ જિલ્લામાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે. આ સાથે વોર્ડ અને વિધાનસભા કક્ષાએ કામગીરી પર નજર રાખવા જણાવાયું છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીબીઆઈ ઓફિસની બહાર રેપિડ એક્શન ફોર્સ (RAF)તૈનાત કરવામાં આવી છે. 


CBIએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડની સીબીઆઈ તપાસમાં જોડાયા હતા. તેઓ સવારે 11.10 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તપાસમાં જોડાતા પહેલા તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સાથે રાજઘાટ પર પૂજા કરવા ગયા હતા.


આ પહેલા સિસોદિયાએ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું કે, આજે ફરી સીબીઆઈ હેડક્વાર્ટર જઈ રહ્યો છું, હું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ અમારી સાથે છે.


આ જ ટ્વીટમાં તેણે કહ્યું કે, જો મારે થોડા મહિના જેલમાં રહેવું પડે તો મને કોઈ વાંધો નથી. હું ભગતસિંહનો અનુયાયી છું જેમને દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.




 



મનીષ સિસોદિયા ધરપકડ પર બોલ્યા કપિલ મિશ્રા


ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા કહ્યું, દારુ કૌભાંડમા મનિષ સિસોદિયાની પણ ધરપકડ. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે મનીષ સિસોદિયાને.  હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, આગળનો નંબર કેજરીવાલનો છે.


મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીની પહેલી પ્રતિક્રિયા


મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું, 'આજે CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. મનીષ સવારે સીબીઆઈ ઓફિસ જવાના હતા ત્યારે તેણે પોતે જ કહ્યું હતું કે આજે તેની ધરપકડ કરવામાં આવશે. કોણ છે મનીષ જેણે દિલ્હીની શાળાઓની કાયાપલટ કરી. સરકારી શાળાને સુધારવાનું કામ કર્યું. મનીષ સિસોદિયાએ સેંકડો ગરીબ બાળકોને IIT-JEEમાં મોકલ્યા છે. ભાજપ કહે છે કે તેણે 10 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. ક્યાં છે આ હજારો કરોડો રૂપિયા. તેમની સામે ક્યાં અને શું મળી આવ્યું છે. એક વર્ષની તપાસ બાદ પણ કંઈ મળ્યું નથી.