નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સવા નવ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકે તે માટે દેશના ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.


બિહારઃ બિહારમાં આજથી 31 જુલાઈ સુધી લોકડાઉ લાદવામાં આવ્યું છે. જેના કારણે મોટાભાગના રસ્તા સુના થઈ ગયા છે. માત્ર જરૂરી કામથી જ લોકો બહાર નીકળી રહ્યા છે. પોલીસ પણ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. આવશ્યક કામ માટે પાસની જરૂર નહીં પડે. ઈમરજન્સી સેવાને બાદ કરતાં પરિવહન સેવા, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો પૂરી રીતે બંધ રહેશે. રાજ્યમાં શાકભાજી અને ફળની દુકાનો સવારે અને સાંજે નિશ્ચિત સમયમાં ખુલશે. રાજ્યની સરહદો પૂરી રીતે સીલ કરી દેવામાં આવી છે.

ગોવાઃ દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવા ગોવામાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જણાવ્યા પ્રમાણે આજથી 10 ઓગસ્ટ સુધી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. માત્ર મેડિકલ સર્વિસને જ મંજૂરી આપવામાં આવશે. સંપૂર્ણ લોકડાઉન આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે લાદવામાં આવશે.

કર્ણાટકઃ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેવા રાજ્યોમાં કર્ણાટક પણ સામેલ છે. કર્ણાટક સરકારે  બેંગલુરુ બાદ દક્ષિણ કન્નડ અને યાદગીર જિલ્લામાં 15 જુલાઈની રાતે 8 વાગ્યાથી 23 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવી દીધું છે. બેંગલુરુમાં પોલીસ કમિશ્નરે ઓનલાઇન દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.



મહારાષ્ટ્રઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. કોરોનાની ચેઇન તોડવા મહારાષ્ટ્રના પુણેમાં 10 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. હાલ લોકડાઉનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજો તબક્કો 18 જુલાઈથી 23 જુલાઈ સુધી રહેશે. માત્ર મેડિકલ સ્ટોર, ડેરી, હોસ્પિટલ અને જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે.



પશ્ચિમ બંગાળઃ કોરોનાના વધતા કેસને લઈ સિલિગુડીમાં સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બુધવારે સાંજે જિલ્લા તંત્ર, જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી ગૌતમ દવે, સિલિગુડીના પોલીસ કમિશશનર ત્રિપુરારી અથર્વ સહિતના અધિકારીઓ સામેલ હતા. બેઠક બાદ પર્યટન મંત્રી ગૌતમ દેવે જણાવ્યું કે, ગુરુવારે સવાર 9 વાગ્યાથી આગામી સાત દિવસ સિલિગુડી કોર્પોરેશનના 47 વોર્ડમાં લોકડાઉન રહેશે. આ દરમિયાન રાશન, પાણી, શાકભાજી, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ સિવાય તમામ વસ્તુઓ બંધ રહેશે.



ઉત્તરપ્રદેશઃ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ઉત્તરપ્રદેશ સરકારે વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. શનિવાર-રવિવારે રાજ્યના તમામ બજારો બંધ રહેશે. સપ્તાહના પાંચ દિવસ માર્કેટ ખુલ્લા રહેશે.

દિલ્હીઃ દિલ્હીથી ગાઝિયાબાદ અને દિલ્હીથી નોયડા સરદહો સીલ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ગુરુગ્રામમાં પણ લોકડાઉન જાહેર કરાયુ છે. આ લોકડાઉન 28 જુલાઈ સુધી રહેશે. જિલ્લા અધિકારીનાકહેવા મુજબ, માત્ર જરૂરી કામથી જ લોકો બહાર નીકળી શકેશે.

મેઘાલયઃ કોરોના સંક્રમણને જોતા મેઘાલય સરકારે રાજ્યના તમામ એન્ટ્રી પોઇન્ટ્સને 24 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે બહારથી આવતા લોકો સંક્રમણ ફેલાવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં હજુ મંદિરો નહીં ખોલવામાં આવે. કોરોના સંક્રમણને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અધિકારીઓ સાતે મંત્રણાબાદ મંદિર નહીં ખોલવાનો અને સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત અમલ કરવાનો આદેશ આપ્યો હતો.