નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત ખરડાને કેબિનેટ મંજૂરી મળ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં રજૂ કર્યો હતો. ફડણવીસે પછાત આયોગની ભલામણના આધાર પર 16 ટકા મરાઠા અનામત બિલને રજૂ કર્યું હતું. આ ખરડો કોઈ પણ પ્રકારની ચર્ચા વિના કે વિરોધ વિના સર્વસંમતિથી પસાર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાની દરખાસ્ત આ ખરડામાં રજૂ કરી છે. મરાઠા અનામત માટે ખાસ કેટેગરી SEBC બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 76 ટકા મરાઠી લોકો ખેતી અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. જ્યારે ફક્ત 6 ટકા લોકો સરકારી અને અર્ધ સરકારી નોકરી કરી રહ્યા છે.
છેલ્લા દિવસોમાં ફડણવીસ કેબિનેટે મરાઠા અનામત માટે બિલને મંજૂરી આપી હતી. આ સાથે જ હવે રાજ્યમાં મરાઠા અનામતનો રસ્તો સાફ થઇ ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની જરૂરી અનામતની પ્રક્રિયા પહેલાં પૂરી કરી લીધી હતા અને હવે આજે આ ખરડો પણ પસાર કરી દીધો છે. અમને પછાત વર્ગ આયોગનો રિપોર્ટ મળ્યો હતો જેમાં ત્રણ ભલામણો કરવામાં આવી હતી. મરાઠા સમુદાયને સોશિયલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ કેટેગરી હેઠળ અલગથી અનામત આપવામાં આવશે. અમે આયોગની ભલામણનો સ્વીકાર કરી લીધો છે અને તેના પર અમલ કરવા માટે એક કેબિનેટ સબ કમિટિ બનાવી છે.
નોંધનીય છે કે મરાઠા અનામતની માંગ 1980ના દાયકાથી થઇ રહી છે. આયોગે 25 વિવિધ માપદંડોના આધાર પર મરાઠાઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવાની તપાસ કરી હતી. જેમાં તમામ માપદંડો પર મરાઠાઓની સ્થિતિ દયનીય જોવા મળી હતી. મરાઠા અનામતને લઇને વર્ષ 2016થી મહારાષ્ટ્રમાં 58 માર્ચ કાઢ્યા છે.