જયપુરઃ કોગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કોગ્રેસે સત્તામાં આવ્યા બાદ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા, બેરોજગાર યુવાઓને 3500 રૂપિયા સુધી માસિક ભથ્થુ આપવા અને છોકરીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. કોગ્રેસે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને પોતાના ચૂંટણી ઢંઢેરાને ‘જન ઘોષણાપત્ર’ નામ આપ્યું છે.
કોગ્રેસનું કહેવું છે કે રાજ્યની પ્રજાની લાગણીઓ, તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો બનાવવામાં આવ્યો છે. આ માટે પાર્ટીને ઓફલાઇન અને ઓનલાઇન લગભગ બે લાખ સૂચનો મળ્યા હતા. ખેડૂતોના દેવામાફી, બેરોજગાર યુવાઓને 3500 રૂપિયા સુધીનું ભથ્થુ, છોકરીઓને તમામ શિક્ષણ મફત કરવા અને રાઇટ ટૂ હેલ્થનો પ્રસ્તાવ ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. સાથે જ વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવાની પણ વાત કરવામાં આવી છે. તે અસંગઠિત મજૂરો માટે બોર્ડ બનાવશે.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો કોઇ દસ્તાવેજ નથી પરંતુ પાર્ટીની પ્રજા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જનભાવનાઓ સામેલ કરવાનો આ રાહુલ મોડલ છે. ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે વસુંધરા રાજે સરકારે અગાઉની કોગ્રેસ સરકારની અનેક જનકલ્યાણ યોજનાઓ બંધ કરી દીધી હતી. આ અવસર પર ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ હરીશ ચૌધરી અને પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે હાજર રહ્યા હતા.