અલ્હાબાદ હાઈકોર્ટે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધો બાંધનારા આરોપી સામેના ફોજદારી કેસને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે લગ્નના વચનને જાતીય શોષણ કરવા માટેના માધ્યમના રૂપમાં ઉપયોગ કરી શકાય નહીં. આ આદેશ જસ્ટિસ મંજૂ રાની ચૌહાણે આપ્યો હતો.


વાસ્તવમા જાન્યુઆરી 2019માં ગૌતમ બુદ્ધ નગરમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણે ઘણા વર્ષો પહેલા ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપી સાથે તેની મિત્રતા થઇ હતી અને બાદમાં તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. તેણીને બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી. આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને અન્ય મહિલાઓ સાથે સંબંધો રાખ્યા હતા. જેના કારણે પીડિતાએ આરોપી વિરુદ્ધ ફેઝ 3, ગૌતમ બુદ્ધ નગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.


આરોપી રવિ કુમાર ભારતી ઉર્ફે બિટ્ટુએ ફોજદારી કેસને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ બિન-જામીનપાત્ર વોરંટ રદ કરવા અને આગળની કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સહમતિથી બનેલા સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું કે લગ્નનું વચન સ્પષ્ટપણે ખોટું હતું, કારણ કે આરોપીના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો અને ફરિયાદીને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવામાં આવી છે. કોર્ટે અરજદાર સામે જાહેર કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ અને કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.


ગયા મહિને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે  ફેમિલી કોર્ટના આદેશ સામે પતિની અપીલ સ્વીકારી છે અને છૂટાછેડાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે પત્નીની ફરિયાદ પર નોંધાયેલી એફઆઈઆરમાં જો પતિ જેલમાં જાય છે તો તે પત્નીની ક્રૂરતા છે, પતિ છૂટાછેડા લેવાનો હકદાર છે અને પત્ની ક્રૂરતા માટે ભરણપોષણને પાત્ર નથી.


પતિએ અરજીમાં જણાવ્યું હતું કે તે અને તેની પત્ની 19 વર્ષથી અલગ રહે છે અને અરજદાર ક્રૂરતાના કેસમાં જેલ થઈ ગયા બાદ હવે તે તેની પત્ની સાથે રહી શકશે નહીં. અરજીનો વિરોધ કરતાં પત્નીએ દલીલ કરી હતી કે તે હજુ પણ તેની સાથે રહેવા તૈયાર છે.