ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિની તબિયત હજુ પણ સુધારા પર નથી. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાક તેમના માટે મહત્વના છે. તેના પર નજર રાખવામાં આવશે. કરૂણાનિધિના પત્ની દયાળુ પણ તેમને મળવા હોસ્પિટલ પહોંચી ગયા છે.
કાવેરી હોસ્પિટલ વતી જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવાયું છે કે, ‘કરુણાનિધિની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ઉંમરના હિસાબે તેમના શરીરમાં તમામ અંગો યોગ્ય રીતે કામ કરતા નથી. તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એક્ટિવ મેડિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. સારવાર દરમિયાન તેમની પ્રતિક્રિયા જ આગળની સારવારનો રસ્તો નક્કી કરશે.’
કરૂણાનિધિ 29 જુલાઈની ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓ આ પહેલા કરૂણાનિધિની મુલાકાત લઈ ચુક્યા છે.
ચાલુ વર્ષે 3 જૂનના રોજ કરૂણાનિધિએ તેમનો 94મો બર્થ ડે ઉજવ્યો હતો. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે.