નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ પોલીસ સ્ટેશનોને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 66એ અંતર્ગત કેસ ન નોંધવાની સૂચના આપી છે. આ ઉપરાંત જો કોઈ સામે આ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હોય તો તેને તાત્કાલિક અસરથી વિડ્રો કરવા સૂચના આપી હતી.


કલમ 66 A શું છે?


કલમ 66 A કમ્પ્યુટર, મોબાઈલ ફોન અથવા ટેબ્લેટ જેવા કોઈપણ અન્ય કમ્યુનિકેશન ડિવાઇસ દ્વારા આપતીજનક સંદેશા મોકલવા માટેની સજાની વ્યાખ્યા આપે છે. આ અંતર્ગત દોષીઓને મહત્તમ ત્રણ વર્ષની જેલ અને આર્થિક દંડ થઈ શકે છે.




તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આઈટી એક્ટની કલમ 66 A નો ઉપયોગ કરવા માટે નોટિસ ફટકારી છે, જે ઘણા વર્ષો પહેલા રદ કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે કહ્યું છે કે આઘાતજનક છે કે કાયદો નાબૂદ કરવાના નિર્ણયનો હજી અમલ થવાનો બાકી છે.


આઈટી એક્ટની કલમ 66 A ના સમાપ્ત થયાના 7 વર્ષ પછી પણ માર્ચ 2021 સુધીમાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ કુલ 745 કેસ હજી પેન્ડિંગ અને સક્રિય છે જેમાં આરોપીઓ સામે આ કલમ હેઠળ ગુનાઓ માટેના આરોપો મુકવામાં આવ્યા છે. કલમ 66 A ને "નિર્દય" ગણાવી હતી, કારણ કે તેમાં ઘણા નિર્દોષ લોકોની ધરપકડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.આ કલમને નાબૂદ કરવા માટે જન આંદોલન થયું હતું. આ બધા કારણોસર સુપ્રીમ કોર્ટે માર્ચ 2015 માં શ્રેયા સિંઘલ vs યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં તેને ગેરબંધારણીય ગણાવી હતી.


સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 66 A દૂર કરવાનાં કારણો:


સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, બંધારણના કલમ 19 (1) (a) હેઠળ 'અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર' પર કલમ કલમ 66 A મનસ્વી રીતે, અતિશય અને સ્પષ્ટ રીતે હુમલો કરે છે અને તેમના અધિકાર પર પ્રતિબંધો લાદવાની કોશિશ કરે છે. આના સિવાય જોગવાઇઓના આધીન અપરાધની વ્યાખ્યા open ended અને અસ્પષ્ટ છે. જે અભિવ્યક્તિ એક માટે 'અપમાનજનક' હોઈ શકે છે તે બીજા માટે અપમાનજનક ના પણ હોઈ શકે. જે અભિવ્યક્તિ કોઈને હેરાન કરે અથવા અસ્વસ્થતા લાવી શકે તે અભિવ્યક્તિ બીજા માટે અગવડતાનું કારણ ન હોઈ શકે.