નવી દિલ્લીઃ સાઉથ-ઇસ્ટ દિલ્લીના કાલકાજી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીને બળજબરીપૂર્વક એસિડ પીવડાવવાની દર્દનાક ઘટના ઘટી છે. આરોપ છે કે સ્કૂલની આસપાસ કેટલાક છોકરાઓ છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીની છેડતી કરી રહ્યા હતા. બુધવારે સાંજે તેણી જ્યારે સ્કૂલમાંથી છૂટી ત્યારે છોકરાઓ તેને ઘેરી વળ્યા હતા અને એસિડ પીવડાવી ફરાર થઇ ગયા હતા. વિદ્યાર્થીનીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિલ્લી પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બે લફંગાઓએ વિદ્યાર્થીને એસિડ પીવડાવ્યો હતો. જ્યારે તેની તબિયત ખરાબ થતાં સ્કૂલ પ્રશાસને ઘરવાળાઓને સૂચના આપી સમગ્ર મામલાથી હાથ ખંખેરી દીધા હતા.
પીડિતાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, છેલ્લા કેટલાક સમયથી બે યુવકો તેને પરેશાન કરી રહ્યા હતા. સ્કૂલ જતાં અને આવતા સમયે તેની છેડતી કરતા હતા. આ બાબતે સ્કૂલ ટીચર્સને પણ તેણીએ જાણ કરી હતી પણ સ્કૂલ દ્વારા કોઇ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નહોતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કાલકાજી પોલીસ સ્ટેશનમાં કેસ ફાઇલ કર્યો છે. પોલીસે પણ તપાસ હાથ ધરી છે પણ સ્કૂલના સતાવાળાઓ આ મુદ્દે કંઇ જ બોલવા તૈયાર નથી.