નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે દલિત-આદિવાસી અને ઓબીસીને મનાવવાનો પ્રયત્ન કર્યો છે. મોદી કેબિનેટે 13 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમની જગ્યાએ અનામતના જૂના 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવા માટે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. તેના બાદ હવે યુનિવર્સિટીની નોકરીઓમાં પહેલાની જેમ અનામત મળશે. છેલ્લા ઘણા દિવસોથી દલિત-ઓબીસી અને આદિવાસી સંગઠને તેને લઈને ભારે વિરોધ કરી રહ્યાં હતા અને પાંચ માર્ચે ભારત બંધ પણ પાળ્યું હતું.


આ પહેલા સુપ્રીમ કોર્ટે જૂની સિસ્ટમ પ્રમાણે 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાને લઈને માનવ સંસાધન મંત્રાલય અને યૂજીસી દ્વારા કરેલી સ્પેશિયલ લીવ પિટીશનને 22 જાન્યુઆરીએ કોર્ટે ફગાવી દીધી હતી. તેના બાદ સરકારે પુનર્વિચાર અરજી પણ કરી હતી જેને કોર્ટે 28 ફેબ્રુઆરીએ ફગાવી દીધી હતી. હવે મોદી સરકારે પોતાની અંતિમ કેબિનેટ બેઠકમાં તેના પર અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.


અરૂણ જેટલીએ કહ્યું કે, 13 પોઈન્ટ રોસ્ટરના કારણે વિશ્વવિદ્યાલયોમાં પછાત પર્ગોનું પ્રતિનિધત્વ ઓછું થઈ જતું. જેના કારણે કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો છે.


શું છે 13 પોઈન્ટ રોસ્ટર ?


યૂજીસી અનુસાર, 14થી ઓછા પદ ત્યાં જ હશે જ્યાં 13 પોઈન્ટ રોસ્ટર લાગુ થશે અને તેનાથી વધારે સીટો હશે તો 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવામાં આવશે. 13 પોઈન્ટ રોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે ક્યા વર્ગ માટે કયો ક્રમ હશે.


200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ પ્રમાણે વિશ્વવિદ્યાલયને એક યુનિટ તરીકે જોવામાં આવે છે. આ નિયમ પ્રમાણે 200 સીટોમાંથી 99 સીટ એસસી,એસટી અને ઓબીસી માટે અનામત અને 101 જનરલ હોય છે. પરંતુ 13 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટને એક યૂનિટ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તેના પ્રમાણે દરેક વિભાગમાંથી ખાલી સીટોને અનામતના દાયરામાં રાખવામાં આવે છે. આ નિયમ પ્રમાણે દલિત અને ઓબીસી અને આદિવાસીઓની માટેની સીટો ઓછી થઈ જાય છે.