હાલમાં ગ્રેચ્યુઇટી મેળવવા માટે એક જ કંપનીમાં ઓછામાં ઓછા સતત 5 વર્ષ સુધી કામ કરવું પડે છે. પરંતુ સરકાર તેમાં ફેરફાર કરીને નોકરીયાત વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, હાલમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કોડ ઑફ સોશિયલ સિક્યુરિટી 2019 પર એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આ ડ્રાફ્ટ પર સ્ટેક હોલ્ડર અને જનતા પાસે સૂચન અને ટિપ્પણીઓ મંગાવી છે. મંત્રાલયને નિર્ધારિત ફોર્મેટમાં સૂચન મોકલવાની અંતિમ તારીખ ગત સપ્તાહે (25 ઑક્ટોબર) સમાપ્ત થઈ ગઈ.
નોંધનીય છે કે, આ વર્ષે વચગાળાના બજેટમાં સરકારે ગ્રેચ્યુઇટી ચૂકવણીની સીમાાને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી હતી. હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડતાં મળનારી મહત્તમ 10 લાખ રૂપિયાની રકમને વધારીને મહત્તમ 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
હાલ ગ્રેચ્યુઇટી એ લોકોને મળે છે જે કોઈ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કરે છે. 5 વર્ષ પહેલા નોકરી છોડતાં ગ્રેચ્યુઇટી નથી મળતી. એવામાં સરકાર ગ્રેચ્યુઇટી માટે નિર્ધારિત 5 વર્ષની મર્યાદાને ઘટાડીને એક વર્ષ કરી શકે છે.