નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ આવનારા બે મહિના માટે હવામાનની આગાહી કરી છે. તે મુજબ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે આવાનારા કેટલાંક દિવસોમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે પણ આગાહી કરી છે. આગાહી મુજબ દેશના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આજે મુંબઈમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગ મુજબ, ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં લાંબા ગાળાનો સરેરાશ 100 ટકા વરસાદ થવાની સંભાવના છે. જોકે તેમાં 8 ટકાનો વધારો કે ઘટાડો થાય તેવી શક્યતા છે. માત્ર ઓગસ્ટ મહિનાના વરસાદની વાત કરીએ તો તે 99 ટકા રહેવાની સંભાવના છે. તેમાં પણ 9 ટકાનો ઘટાડો કે વધારો થાય તેવી શક્યતા છે.

1961-2010ના ગાળાના આધાર પર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં દેશભરનો LPA 42.83 સેન્ટીમીટર રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે, બંગળાની ખાડીના ઉત્તર ભાગમાં લો-પ્રેસર સર્જાયું હોવાથી આગામી બે સપ્તાહમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ગુરુવારથી સતત 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. માછીમારોને આગામી કેટલાંક દિવસ સુધી દરિયો ન ખેડલાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ મધ્યપ્રદેશમાં પણ 4 ઓગસ્ટ બાદ ધીમો વરસાદ શરૂ થશે તેમ જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણાના અલગ-અલગ ભાગોમાં 2 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 3 ઓગસ્ટે પણ ભારે વરસાદ પડવાનું એલર્ટ આપ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્વિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને કર્ણાટકમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

4 ઓગસ્ટે હવામાન વિભાગ મુજબ, કોંકણ અને ગોવાના કેટલાક સ્થાનોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશાના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્વિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે 5 ઓગસ્ટે પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને ઓડિશાના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે.