નવી દિલ્હીઃ હવામાન વિભાગે સોમવારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડાની અસર ખત્મ થઈ ગઈ છે. એવામાં હવે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 21 જૂનના રોજ મહારાષ્ટ્ર પહોંચવાની સંભાવના છે. મોનસૂન દક્ષિણ કોંકણ અને ગોવામાં 21 તો સમગ્ર મહારાષ્ટ્રમાં 24 અથવા 25 જૂનના રોજ આવશે. સાથે જ મોનસૂન 4 જુલાઈ સુધીમાં દેશના 90 ટકા ભાગમાં પહોંચવાની સંભાવના છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા વાયુને કારણે ચોમાસું વિલંબમાં મુકાયું હતું. વાવાઝોડની અસર હવે ખત્મ થઈ ગઈ છે અને ચોમાસાની નવી સિસ્ટમ સક્રીય થઈ રહી છે અને તે ઝડપથી આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં મોનસૂન કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા અને દક્ષિણના બાકીના વિસ્તારોમાં તેમજ ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચી જશે.



આવતા અઠવાડિયે ચોમાસું મધ્ય પ્રદેશમાં પણ પહોંચશે. વાયુની અસરને કારણે સોમવાર અને મંગળવારે ગુજરાતના કચ્છ- સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડયો હતો. ગોવા અને મધ્ય પ્રદેશમાં પણ તેની અસર જોવા મળી હતી. ચોમાસું વિલંબમાં મુકાતા દેશના અનેક વિસ્તારોમાં વરસાદની 43 ટકા ઘટ પડી હતી.
મુંબઈ અને દક્ષિણ કોંકણમાં આગામી 2 દિવસમાં ભારેથી હળવો વરસાદ પડવાની આગાહી છે. મરાઠવાડા તેમજ વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડશે. મંગળવાર અને બુધવારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ પડી શકે છે.

આંધ્રનાં કાંઠાના વિસ્તારો તેમજ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, પિૃમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. બિહાર અને વિદર્ભમાં ગરમીનો કેર ચાલુ રહેશે.દિલ્હી અને એનસીઆરમાં આગામી 2 દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.