MUMBAI : મુંબઈના કાંદિવલી એરિયામાં એક ઇમારત ધરાશાયી થઇ હોવાના સમાચાર છે. ઇમારત પડવાની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટનાને પગલે પોલીસ કાફલો તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ ઘટના મુંબઈના પશ્ચિમ ઉપનગર કાંદિવલી પશ્ચિમમાં ઘટી હતી. કાંદિવલી પશ્ચિમના ઈસ્લામ કમ્પાઉન્ડમાં ઉત્તર ભારતીય સેવા સંઘની ચાલીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર વધુ એક માળનું બનેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. જ્યાં આ મકાન છે ત્યાં જેસીબીની મદદથી ગટર ખોદવાનું કામ શરૂ કરાયું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આથી આમાં મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે.
અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં એકાએક અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત કાર્ય શરૂ થયું. કાંદિવલી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને BMCની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાનું કામ કરી રહી છે.
આ એરિયાના કોર્પોરેટર કમલેશ યાદવે આ દુર્ઘટના માટે BMCને જવાબદાર ઠેરવી છે. કમલેશ યાદવે આરોપ લગાવ્યો કે આ દુર્ઘટના BMCની બેદરકારીના કારણે થઈ છે. આ અકસ્માતના કારણે આ મકાનમાં રહેતો પરિવાર અચાનક રસ્તા પર આવી ગયો છે. પરિવારમાં બાળકના મોતના બેવડા શોક અને માથા ઉપરની છત ગાયબ થવાથી પરિવાર પર સંકટનો પહાડ તૂટી પડ્યો છે. આ અકસ્માત બાદ પોલીસે BMCના કોન્ટ્રાક્ટરની અટકાયત કરી છે.