મુંબઈઃ મુંબઈમાં ભારે વરસાદ અને તોફાનનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. ચારે બાજુએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, દર એક કિલોમીટરે વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા છે. રસ્તા તળાવ બની ગયા છે. સ્થિતિ એ છે કે ગાડીઓ તરતી જોવા મળી રહી છે. ભારે વરસાદે ટ્રાફીકની ગતિ અટકાવી દીધી છે. ભારે પવનને કારણે અનેક બિલ્ડિંગની છત ઉડી ગઈ છે.


પીએમ મોદીએ દરેક શક્ય મદદનો આપ્યો વિશ્વાસ

પીએમ મોદીએ બુધવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ભારે વરસાદ બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ઉભી થયેલી સ્થિતિ વિશે વાત કરી. આ દરમિયાન પીએમએ દરેક શક્ય મદદનું અશ્વાસન આપ્યું છે. પીએમ કાર્યાલયે આ વાતની જાણકારી આપી.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે પણ ભારેથી અતિભારે વરસાદ વરસે સાથે સુંસવાટાભેર પવન ફૂંકાવાની આગાહી કરી છે.

મુંબઈમાં ગઈકાલે સવારે ૮.૩૦ વાગ્યાથી રાતે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૧૨ કલાકમાં કોલાબા ખાતે ૨૯૩.૮ મિ.મિ (૧૨ ઇંચ) અને સાંતાક્રુઝ ખાતે ૧૦૩ મિ.મિ. (૪ ઈંચ)  વરસાદ વરસ્યો હોવાની વેધશાળાએ નોંધ લીધી હતી.

જ્યારે મુંબઈ મહાનગરપાલિકાએ સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી આપેલા આંકડા અનુસાર તળમુંબઈમાં ૧૭૦.૬ મિ.મિ., પૂર્વ ઉપનગર ૫૯.૩૪ મિ.મિ., તથા પશ્ચિમ ઉપનગરમાં ૫૬.૦૩ મિ. મિ. વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે મધ્ય રેલવે અને હાર્બર રેલવે સેવાના પાટા પર પાણી ભરાયા હતા. આથી આ બન્ને રૃટની સેવા ખોરવાઈ હતી. જ્યારે પશ્ચિમ રેલવેમાં માહિમ, ચર્નિરોડ અને મરીનલાઈન્સ ખાતે પાટા નજીક આવેલા વૃક્ષો તૂટી પડતાં તે ઓવરહેડ વાયર પડતાં પશ્ચિમ રેલવેની સેવા ખોરવાઈ હતી. રખડી પડેલા પ્રવાસીઓને હંગામી ધોરણે ત્યાં નજીકમાં આવેલી પાલિકાની શાળામાં આશ્રય અપાયો હતો.

રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ભાયકળા સ્ટેશનની વચ્ચે 2 લોકલ ટ્રેન ફસાઈ ગઈ હતી. સીએસટીથી કર્જત જનારા લગભગ 500 પ્રવાસીઓને એનડીઆરએફ અને રેલવેની ટીમે બચાવ્યા હતા. લોકોને બચાવવા માટે આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું  હતું.