નવી દિલ્હીઃ કેન્દ્રિય પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીના સમયે પાકિસ્તાન બન્યા બાદ મુસ્લિમોને ત્યાં નહી મોકલવાનું અને હિંદુઓને અહી નહી લાવી શકવાની કિંમત ચુકવી રહ્યો છે. ભાજપ નેતાએ બિહારના સીમાંચલ ક્ષેત્રમાં પૂર્ણિયા જિલ્લામાં આ નિવેદન આપ્યું છે જે મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. તે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા.


સીએએના ફાયદા ગણાવતા ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે આપણા પૂર્વજ બ્રિટિશ શાસન સામે આઝાદી માટે લડી રહ્યા હતા, જિન્ના એક ઇસ્લામી દેશ બનાવવા પર ભાર મુકી રહ્યા હતા. જોકે, આપણા પૂર્વજોએ એક ભૂલ કરી દીધી. જો તેમણે આપણા તમામ મુસ્લિમ ભાઇઓને પાકિસ્તાન મોકલી દીધા હોત અને હિંદુઓને અહી લાવી દીધા હોય તો આવા કાયદાની જરૂર ઉભી ના થઇ હોત. આપણે તેની ભારે કિંમત ચુકાવી છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિત ઉત્પીડનનો સામનો કરતા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપતો નાગરિકતા સંશોધન કાયદો લાગુ થતા વિવાદ થઇ ગયો છે. દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. લોકોને આશંકા છે કે આ કાયદો લાગુ થયા બાદ દેશભરમાં એનઆરસી પણ લાગુ કરવામાં આવશે.