નવી દિલ્હીઃ દિલ્હીમાં રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોગ્રેસે 12 વર્ષો સુધી તેમને પરેશાન કર્યા છે. પરંતુ તેમને કાયદા અને સંસ્થાઓ પર વિશ્વાસ હતો. મોદીએ કોગ્રેસ પર દેશની બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી માટે તનતોડ મહેનત કરવાની હાંકલ કરતા મોદીએ કહ્યું કે, આ લડાઇ સલ્તન અને બંધારણમાં આસ્થા રાખનારા લોકો વચ્ચેની છે. એક તરફ એવા લોકો છે જે પોતાની સલ્તન બચાવવા માટે મહેનત કરી રહ્યા છે અને એક તરફ અમે છીએ જે બંધારણ માટે લડીએ છીએ. વડાપ્રધાન મોદીએ મહાગઠબંધનને લઇને વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, કોગ્રેસનો વિરોધ કરી રહેલી અને એકબીજાની વિરોધી પાર્ટીઓ આજે એક વ્યક્તિને હરાવવા માટે સાથે આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોગ્રેસની માનસિકતા વિકાસના તમામ કામમાં અડચણ ઉભી કરવાની છે. મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે પછી જીએસટીની વાત હોય. સ્વચ્છ ભારતનો પણ કોગ્રેસ વિરોધ કરે છે. કોગ્રેસ પોતાની બેઠકોમાં જીએસટીનું સમર્થન કરે છે પરંતુ આ માટે મધ્યરાત્રે બોલાવવામાં આવેલા સંસદ સત્રનો વિરોધ કરે છે. કોગ્રેસ પોતાને દેશની તમામ સંસ્થાઓથી ઉપર સમજે છે. તે કાયદો અને સંસ્થાઓની ચિંતા નથી કરતી. તે ચૂંટણી પંચ, આરબીઆઇ, તપાસ એજન્સીઓ કે સુપ્રીમ કોર્ટની પણ ચિંતા નથી કરતી. કોગ્રેસ પોતાના વકીલો મારફતે ન્યાય પ્રક્રિયામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરે છે. સીજેઆઇને હટાવવા માટે મહાભિયોગ લાવવાનો પણ પ્રયાસ કરે છે. કોગ્રેસ અયોધ્યા મામલામાં સમાધાન ઇચ્છતી નથી.

મોદીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકને લોહીની દલાલી કહેનારા આ લોકો છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને પશ્વિમ બંગાળે સીબીઆઇ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમને ડર લાગી રહ્યો છે. એવા તો ક્યા કારનામા કર્યા છે તો તેમની ઉંઘ ઉડી ગઇ છે. મોદીએ કહ્યું કે, હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે યુપીએ સરકારનો એકમાત્ર એજન્ડા હતો કે કોઇ રીતે મોદીને ફસાઓ, અમિત શાહને તો જેલમાં નાખી દીધા પરંતુ અમે એવો કોઇ નિયમ ના બનાવ્યો કે સીબીઆઇ રાજ્યમાં ઘૂસે નહીં. અમને સત્ય અને કાયદા પર વિશ્વાસ હતો.