નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મગંળવારે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક બાદ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી એમ્સમાં તેમણે અંતિમ સ્વાસ લીધા. વિતેલા ઘણાં દિવસથી સુષ્મા સ્વરાજ બીમાર ચાલી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી હતા. 67 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. સ્વરાજના નિધન પર માત્ર દેશમાં જ નહીં પણ બાંગ્લાદેશ, માલદીવ, ફ્રાન્સના રાજનેતાઓ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનથી પણ સુષ્મા સ્વરાજ માટે એક ખાસ મસેજ આવ્યો છે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને પોતાના અંદાજમાં સુષમા સ્વરાજને યાદ કર્યા. હુસૈને લખ્યું કે સુષમા સ્વરાજના પરિવારને મારી સંવેદનાઓ. હું તેમની સાથે ટ્વિટર પર થતી ચર્ચાઓને ખૂબ યાદ કરીશ. તેઓ પોતાના અધિકારોને લઇ ખૂબ મુખર હતા, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.


જેવા સુષમા સ્વરાજના નિધન બાદ વડાપ્રધન મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું એક શ્રેષ્ઠ પ્રશાસક, સુષમા જી એ જેટલા પણ મંત્રાલય સંભાળ્યા તમામમાં શ્રેષ્ઠ કામ કર્યું અને માપદંડો નક્કી કર્યા. કેટલાંય રાષ્ટ્રોની સાથે ભારતના શ્રેષ્ઠ સંબંધ સ્થાપિત કરવાની દિશામાં તેમણે શાનદાર કામ કર્યું.

સુષમા સ્વરાજે અનુચ્છેદ 370ને હટાવાને લઇ પોતાની અંતિમ ટ્વીટ કરી. કાશ્મીર પર આ પગલાંને લઇ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે ટ્વીટમાં લખ્યું કે તેઓ આ દિવસની રાહ જોઇ રહ્યા હતા. આપને જણાવી દઇએ કે સ્વાસ્થયના કારણોથી સુષમા સ્વરાજે 2019ની લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.