નવી દિલ્હી: રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર 2017-18માં આંધ્ર પ્રદેશને સર્વશ્રેષ્ઠ રાજ્યના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શુક્રવારે આ પુરસ્કાર આપ્યો હતો. આ વર્ષે વિવિધ શ્રેણીઓ અંતર્ગત કુલ 76 પુરસ્કાર આપવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશને પર્યટન ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો છે.
ગોવા અને મધ્ય પ્રદેશ રોમાંચક પર્યટન શ્રેણીમાં સંયુક્ત વિજેતા છે. ઉત્તરાખંડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પ્રમોશન અનુકૂળ રાજ્ય(બેસ્ટ ફિલ્મ પ્રમોશન ફ્રેન્ડલી સ્ટેટ)નો પુરસ્કાર મળ્યો છે. આઈટી ટેકનોલોજીની નવી પદ્ધતિઓના ઉપયોગ માટે તેલંગણા સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે.


અહીં વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં નાયડૂએ કહ્યું કે ભારતમાં બિઝનેસ કરવુ આસાન થઈ ગયું છે અને હવે દેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. ભારતમાં પ્રર્યટકોનું શાનદાર સ્વાગત કરવામાં આવે છે.

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ અને વિશ્વ પર્યટન સંગઠનના મહાચિવ ચુરાબ પોલોલિકાશ્વિલી પણ આ અવસર પર ઉપસ્થિત રહ્યાં હતા.